Dang news: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી:

 Dang news: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી:


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૨:  ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ગિરિમથક સાપુતારા ખાતે   કાર્યરત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.


સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓ સાથે સંવાદ સાધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમય બદલાઈ રહ્યો છે. વાલીઓ પોતાના બાળકો માટે સ્પોર્ટ્સને પ્રોફેશન તરીકે મહત્વ આપી રહ્યા છે. સાથે બાળકો કોમ્પિટિશન કરતાં થાય તે તરફ વિચારી રહ્યા છે. 


ભારત સરકાર દેશના ખેલાડીઓ આગળ વધે તે માટે પૂરતાં પ્રયાસો કરી રહી છે. ખેલાડીઓ માટે સ્પોર્ટ્સની જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વર્ષ ૨૦૩૬મા ભારતમા ઓલમ્પિક યોજાનાર છે, ત્યારે તેના માટે ખેલાડીઓ મહેનત કરે તેમજ વર્ષ ૨૦૩૬ સુધીમા ભારત દેશ સ્પોર્ટ્સમા દશમા ક્રમે તેમજ વર્ષ ૨૦૪૭મા ભારત દેશ જ્યારે આઝાદીના સો વર્ષ પુર્ણ કરશે ત્યારે, દેશને સ્પોર્ટ્સમા પાંચમા ક્રમે લાવવાનો પ્રયાસ કરવાનો છે. તે માટે સંશાધનોની કમી ન વર્તાય તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામા આવી રહ્યા છે. 


સ્વાસ્થ્ય માટે ખેલ ખુબ જ જરૂરી, ખેલ થી જ વ્યક્તિમા ખેલદિલીના સંસ્કાર મળે છે તેમ જણાવી મંત્રીશ્રીએ, ખેલાડીઓના ઉત્સાહમા વધારો કર્યો હતો. 


અહીં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની રમતોમા ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને મંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા હોકીની રમત રમીને તીરંદાજી પણ કરી હતી. 


આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, ભાજપ પ્રભારી મંત્રી શ્રી રાજેશભાઈ દેસાઈ, પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી સર્વશ્રી હરિરામ સાંવત, અને શ્રી દિનેશ ભોયે, સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર-માલેગામ શાળાના ટ્રસ્ટી શ્રી પી.પી.સ્વામીજી સહિત પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, સાપુતારા સ્પોર્ટ્સ સંકુલના કોચ સહિત રમતગમતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. 


*તેજસ્વી ખેલાડીઓ*


ઉલ્લેખનીય છે કે, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હોકી, આર્ચરી, એથ્લેટીક્સ, વોલીબોલ, કબ્બડી, ખો-ખોની રમત માટે મલ્ટી પર્પસ હોલ અને બેડમિન્ટન હોલ ઉપલબ્ધ છે. અહીં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ ૮૪ ખેલાડીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા છે. જેમાંથી વર્ષ ૨૦૨૩-૨૪મા હોકીમા ૧૦ ખેલાડીઓ, આર્ચરીમા ૪ ખેલાડી, અને એથલેટીક્સ રમતમા ૧ ખેલાડીએ, નેશનલ કક્ષાએ ભાગ લીધો છે.


આ વર્ષે ખેલ મહાકુંભમા ડાંગ જિલ્લાની હોકીની બહેનોની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તથા ખેલ મહાકુંભની આર્ચરી રમતમા રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમા ૨ ગોલ્ડ મેડલ, ૭ સિલ્વર મેડલ, અને ૩ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત એથ્લેટીક્સ રમતમા ૧ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવી, આ ખેલાડીઓએ ડાંગ જિલ્લાનુ નામ રોશન કર્યું છે. હાલમા અહીં દેવગઢબારિયા એથલેટીક્સ રમતની એકેડમીના ખેલાડીઓ પણ તાલીમ લઇ રહ્યા છે .


*સાપુતારા રમત સંકુલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ*


સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકના સાપુતારાનુ જિલ્લા રમત સંકુલ, ૧૫ એકરમા બનાવવામા આવ્યુ છે. જેમા, ૪૦૦ મીટર સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ (પ્રેક્ટીસ), ઇન્ડોર મલ્ટિપર્પઝ હોલ (જુડો, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ), ઇન્ડોર બેડમિન્ટન હોલ, ઓફીસ બિલ્ડિંગ, ૧/૪ એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ, ૧૫૦ ખેલાડીઓની ક્ષમતા ધરાવતી ચાર મજલાની હોસ્ટેલ બિલ્ડિંગ, ખો-ખો કોર્ટ (બે), કબડ્ડી કોર્ટ (બે) અને વોલીબોલ કોર્ટ (બે) ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.











Comments