ડાંગ જિલ્લાની મુલાકાતે પધારશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

 ડાંગ જિલ્લાની મુલાકાતે પધારશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા:૨૫ : આગામી તા.૨૯મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાની મુલાકાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારી રહ્યા છે. 

જેમના સૂચિત કાર્યક્રમ સંદર્ભે યજમાન સંસ્થા તથા જિલ્લા વહીવટી તંત્રએ કાર્યક્રમને આનુસાંગિક કામગીરી હાથ ધરી છે. 

શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ, SRK નોલેજ ફાઉન્ડેશન, અને પ્રયોશા પ્રતિષ્ઠાન આયોજિત ‘હનુમંત પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ’ના કાર્યક્રમમા તા. ૨૯ મી સપ્ટેમ્બરે, ડાંગ જિલ્લાના સૂપદહાડ ગામે આકાર પામેલા શ્રી હનુમાનજીના મંદિરના લોકાર્પણ સમારોહ માટે પધારનાર રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સુપદહાડ   બાદ માલેગામ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમા ઉપસ્થિત રહી, આશીર્વચન પાઠવશે. 

રાજયપાલશ્રીના આ સૂચિત કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રે કરવાની થતી આનુસાંગિક વ્યવસ્થા સંદર્ભે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલની રાહબરી હેઠળ, સબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને યજમાન સંસ્થાના શ્રી પી.પી.સ્વામીજીના સાનિધ્યે, એક બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમ સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરી, ઉચ્ચ અધિકારીઓની ટીમે, કાર્યક્રમના સ્થળોની જાત મુલાકાત લઈ, આયોજકોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. 

ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા માતા શબરી અને પ્રભુ શ્રીરામ તથા ભ્રાતા શ્રી લક્ષમણજીની ચરણરજથી પાવન  થયેલી દંડકારણ્યની આ પાવન ભૂમિ ઉપર વસતા આદિવાસી સમાજની સામાજિક ચેતના માટે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ નામક ‘હનુમાન યજ્ઞ’ શરૂ કરાયો છે. 

જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમા શ્રી હનુમાનજીના મંદિર બનાવવાનુ યજ્ઞ કાર્ય આરંભાયુ છે. આ કાર્યનુ ૧૦૧ મુ મંદિર, સુપદહાડ ખાતે તૈયાર થયુ છે. જેના લોકાર્પણ સમારોહમા રાજ્યપાલશ્રી ડાંગની ભૂમિ ઉપર પધારી રહ્યા છે.

આ કાર્યક્રમમા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સાથે સર્વશ્રી રાકેશભાઈ દૂધાત, લાલજીભાઈ પટેલ, અને મનહરભાઇ સાંસપરા સહિત, ૩૧૧ મંદિરના નિર્માણ યજ્ઞના સંકલ્પકર્તા એવા શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, અને પ્રેરણામૂર્તિ શ્રી પી.પી.સ્વામીજી પણ વિશેષ ઉપસ્થિત રહેશે




Comments