ડાંગ જિલ્લામાં નશાની પ્રવૃતિને રોકવા માટે પોલીસ અને વાલીઓનું સક્ષમ સંકલન.

 ડાંગ જિલ્લામાં નશાની પ્રવૃતિને રોકવા માટે પોલીસ અને વાલીઓનું સક્ષમ સંકલન.

 "ડાંગ પોલીસનું યુવા ધનને નશા મુક્તિ માટેનું સરાહનીય કાર્ય" 

ડાંગ જિલ્લા પોલીસે યુવાનોમાં  દારૂબંધીની પ્રવૃતિઓને રોકવા અને  નશાની પ્રવૃતિને અટકાવવા યુવકના વાલીઓની સંમતિથી યુવકોનું કાઉન્સિલિંગ કર્યું હતુંઃ

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તારીખ: 18: ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ 16 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મળેલી ચર્ચા મુજબ, યુવાનોમાં નશાની લત અટકાવવા જિલ્લા પોલીસના એસ.ઓ.જી.  PSI શ્રી એમ.જી.શેખ તથા સ્ટાફ દ્વારા જિલ્લામાં નશાની પ્રવૃતિ અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ટાયર પંકચર માટે વપરાતા સોલ્યુશનનો ઉપયોગ કરીને કેટલાક  યુવાનો નશાની બેફામ પ્રવૃતિઓ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગાંધીબાગ, સનસેટ પોઈન્ટ, પટેલ પાડા, બોરખેત હેલીપેડ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી 15 જેટલા યુવાનોને ઝડપી લીધા હતા.

પોલીસે યુવકોના વાલીઓ સાથે ચર્ચા કરી તેમની સંમતિથી તેમને પોલીસ ભવનમાં બોલાવ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટીલે તમામ યુવાનો સાથે વ્યક્તિગત અને સામૂહિક કાઉન્સેલિંગ કર્યું હતું. કિંમતી જીવન બરબાદ ન કરવા માટે સમજાવ્યું હતું.

 સોલ્યુશન સુંઘવું ગુનાહિત ન હોઈ શકે! પરંતુ જો યુવાનોને આ પ્રકારના નશાથી રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેઓ પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરી શકે છે જેથી પોલીસે તેમના વાલીઓ સાથે પણ પરામર્શ કરીને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું હતું.

વધુમાં,ડાંગ જિલ્લા પોલીસે જે કોઈ વ્યક્તિ આવી પ્રવૃતિ કરતા જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અથવા ટોલ ફ્રી નંબર 1933 પર સંપર્ક કરવા અપીલ કરી છે.

#infodang 

Comments