સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે "રાષ્ટ્રીય શિક્ષક દિવસ"ની ઉજવણી કરાઈ :

 સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે "રાષ્ટ્રીય શિક્ષક દિવસ"ની ઉજવણી કરાઈ :



કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ, અધ્યાપકોની ભૂમિકા સાથે કોલેજની સંપૂર્ણ જવાબદારી સોંપી :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૬: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાના પ્રિન્સિપાલ ડો. ઉત્તમ ગાંગુર્ડેની અધ્યક્ષતામાં કોલેજની IQSC સમિતિ અને સાંસ્કૃતિક સમિતિ દ્વારા "રાષ્ટ્રીય શિક્ષક દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. 

જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિવિધ વિષયના કુલ ૬૦ વિદ્યાર્થીઓએ અધ્યાપકોની ભૂમિકા ભજવી અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. દરમિયાન એક દિવસના આચાર્યની ભૂમિકા શ્રી મુન્નાભાઈ સોમાભાઈ કુકણા એમ.કોમના વિદ્યાર્થીએ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર શૈક્ષણિક કાર્યની દિનચર્યાનું આયોજન વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 

તા.૫ મી સપ્ટેમ્બરની શિક્ષક દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે કોલજેના વિદ્યાર્થી અધ્યાપકોને શુભેચ્છા પાઠવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના વ્યક્તિગત અનુભવો-પ્રતિભાવો રજુ કરી, અને તેમના વિષય અધ્યાપકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 

એક દિવસ માટે બનેલા આચાર્યની ભૂમિકા અદા કરનાર શ્રી કુકણા મુન્નાભાઈએ આચાર્ય તરીકેનો અનુભવ રજૂ કર્યો હતો. 

શિક્ષક દિવસનો મહિમા વર્ણવતા કોલેજના પ્રાધ્યાપક શ્રી પી.કે માહલાએ સંસ્કૃત શ્લોક સાથે શિક્ષક અને વિદ્યાનો મહિમા આપીને, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન પરિચય અને એમના પ્રેરણાદાયી પ્રસંગોથી વિદ્યાર્થીઓને પરિચિત કર્યા હતા. 

પ્રસંગોચિત ઉદબોધનમાં કોલેજના આચાર્યશ્રી ડો. ઉત્તમ ગાંગુર્ડેએ પોતાના વક્તવ્યમાં એક જ્યોતિધર ગુરુ તરીકે કૃષ્ણ ભગવાનને અર્જુનને કર્મયોગનું જ્ઞાન આપ્યું હતું. તેની માહિતી આપી હતી. તેમજ શિક્ષકના ઉત્તમ ગુણોની ચર્ચા કરતા ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. 

કાર્યક્રમની આભારવિધિ પ્રાધ્યાપક શ્રી વિનોદભાઈ ગવળી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક શ્રીમતી ભગીના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

-

#HappyTeacherDayGuj

#CmAtTeachersDayGuj

Comments