સ્વચ્છતા હી સેવા–૨૦૨૪, જિલ્લો ડાંગ

 સ્વચ્છતા હી સેવા–૨૦૨૪, જિલ્લો ડાંગ

આહવા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામા 'સ્વચ્છતા શપથ' ગ્રહણ કરતા મહાનુભાવો તથા લાભાર્થીઓ

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા.૨૭ : ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે આયોજિત 'ગરીબ કલ્યાણ મેળા'મા ઉપસ્થિત સૌ મહાનુભાવો, લાભાર્થીઓ તેમજ ગ્રામજનોએ 'સ્વચ્છતા શપથ' ગ્રહણ કર્યા હતા. 

મહાત્મા ગાંધીજીએ જે ભારતનુ સપનુ જોયુ હતુ તેમા, માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહીં, પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ કરી હતી. ગાંધીજીએ ગુલામીની સાંકળો તોડીને ભારત માતાને આઝાદી અપાવી હતી. હવે આપણુ કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ.

આ સ્વચ્છતા શપથ શબ્દશ જોઈએ તો, “હું શપથ લઉં છું કે, હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ, અને તેના માટે સમય ફાળવીશ. હું દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે દર અઠવાડિયે ૨ કલાક, શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પને પરિપૂર્ણ કરીશ. હું ન તો ગંદકી કરીશ, અને ન તો અન્ય કોઇને કરવા દઇશ. સૌ પ્રથમ હું મારી જાતથી, મારા પરિવારથી, મારા વિસ્તારથી, મારા ગામથી અને મારા કાર્ય સ્થળથી શરૂઆત કરીશ. હું માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે, તેનું કારણ એ છે કે ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી, અને ગંદકી થવા દેતા નથી. આ વિચાર સાથે હું ગામે ગામે અને શેરીએ શેરીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. આજે હું જે શપથ લઇ રહ્યો છું તે શપથ બીજા ૧૦૦ લોકોને પણ લેવડાવીશ. હું પ્રયાસ કરીશ કે, તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે ૧૦૦ કલાક આપે. સ્વચ્છતાની તરફ ભરેલ મારું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે.” 

Comments