સાપુતારાના 'મોન્સુન ફેસ્ટિવલ' મા ડાંગી આદિવાસી નૃત્ય કલા મંડળ દ્વારા આદિવાસી ડાંગી નૃત્ય રજુ કરાયું

સાપુતારાના 'મોન્સુન ફેસ્ટિવલ' મા ડાંગી આદિવાસી નૃત્ય કલા મંડળ દ્વારા આદિવાસી ડાંગી નૃત્ય રજુ કરાયું
વલસાડ/ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલની દરમિયાનગીરી ફળી - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૮: ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા 'મોન્સૂન ફેસ્ટિવલ' માં રજૂ થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકાર/મંડળીઓના કાર્યક્રમોની ઉઠેલી લોક માંગ, છેક દિલ્હી દરબાર સુધી પહોંચતા તેના સાનુકૂળ પરિણામો મળ્યા છે. તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વલસાડ/ડાંગના સાંસદ એવા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે સ્થાનિક લોક લાગણીને સંવેદનશીલ અભિગમ સાથે ધ્યાને લઈ, સ્થાનિક લોકકલા અને સંસ્કૃતિને 'મોન્સૂન ફેસ્ટિવલ'ના રંગમંચ ઉપરથી રજૂ કરી, સ્થાનિક લોકકલાના જતન સંવર્ધન સાથે સ્થાનિક રોજગારીના સર્જનને વેગ મળે, તથા ડાંગી લોક સંસ્કૃતિ શહેરી પર્યટકો સુધી બખૂબી પહોંચે તેવો હકારાત્મક અભિગમ અખત્યાર કર્યો હતો. જેના પરિણામે ગિરિમથકની તળેટીમાં આવેલા માલેગામ સ્થિત, શ્રી ડાંગી આદિવાસી નૃત્ય કલા મંડળ દ્વારા આદિવાસી ડાંગી નૃત્ય રજુ કરી, 'મોન્સૂન ફેસ્ટિવલ'નો રંગમંચ ગજવવામાં આવ્યો હતો. નોટિફાઈડ એરિયા કચેરી-સાપુતારા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આ વિક એન્ડ દરમિયાન, સાપુતારા ખાતે ખૂબ મોટી સંખ્યામા પ્રવાસીઓ આવવાની સંભાવનાઓને ધ્યાને રાખી, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજીત 'મોન્સુન ફેસ્ટિવલ' મા, રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા, અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લોક લાગણી અને સહેલાણીઓની માગણીને ધ્યાને રાખી, તા.૧૭/૮/૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકારો એવા માલેગામના શ્રી ડાંગી આદિવાસી નૃત્ય કલા મંડળ દ્વારા, આદિવાસી ડાંગી નૃત્ય રજુ કરવામાં આવ્યુ હતુ. આ કલાકારોની નૃત્ય કળા જોઇ સહેલાણીઓ પણ ઝુમી ઉઠ્યા હતા. સાથે સાથે ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રીમતી ઇન્દીરા શ્રીમાળી તથા તેમના ગ્રુપ દ્વારા અહીં લોક ડાયરાનો કાર્યક્રમ પણ રજુઆત પામ્યો હતો. સાપુતારા ખાતે મોટી સંખ્યામાં આવેલા સહેલાણીઓએ આ કાર્યક્રમોની મન ભરીને મોજ માણી હતી.

સાપુતારાના 'મોન્સુન ફેસ્ટિવલ' મા ડાંગી આદિવાસી નૃત્ય કલા મંડળ દ્વારા આદિવાસી ડાંગી નૃત્ય રજુ કરાયું - વલસાડ/ડાંગના...

Posted by Info Dang GoG on Sunday, August 18, 2024

Comments